|
ભારત દેશ ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયા બાદ વિવિધ રાજાશાહી શાસન હેઠળનાં દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારતમાં વિલીન કરવામાં આવેલ ત્યારે પ્રથમ તબક્કામાં મુંબઈ રાજ્યની આંતરિક સુરક્ષા માટે સને ૧૯૪૮માં પી.આર.સી. (પ્રોવિન્શિયલ રિઝર્વ કોન્સ્ટેબ્યુલરી)ના નામાભિધાન હેઠળ બે જૂથો : પી.આર.સી., જૂથ-૧, પુરંધર (હાલ મહારાષ્ટ્ર) ખાતે અને પી.આર.સી., જૂથ-૨, સાંબરે (હાલ કર્નાટક), ઊભા કરવામાં આવેલ હતા. ગાયકવાડ શાસન હેઠળના વડોદરા રાજ્ય, જેને તા. ૦૧/૦૫/૧૯૪૯ ના રોજ સ્વતંત્ર ભારતના મુંબઈ રાજ્ય સાથે જોડવામાં આવ્યું, તે માટે ગાયકવાડ સરકારના શાસન સમયમાં પ્રતાપ ગાર્ડ રેજિમેન્ટ તરીકે ઓળખાતા લશ્કરી દળનો આંતરિક સુરક્ષાની સેવાઓ માટે ઉપયોગ કરવાના હેતુસર તેના ૧૦૦૦ જવાનો અને અધિકારીઓને પ્રોવિન્શિયલ રિઝર્વ કોન્સ્ટેબ્યુલરી (પી.આર.સી.) ના જૂથ-૩ નું નામાભિધાન મુંબઇ સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંકઃ ૩૧૬૯/એસસી/૧૪૮૬, તા. ૦૧/૦૭/૧૯૪૯ થી આપવામાં આવેલ. ભૂતપૂર્વ વડોદરા રાજ્યના આ લશ્કરી દળને વધુ શક્તિશાળી બનાવવા માટે તે દળમાં જોડાવવા માગતા હોય તેવા ૧૦૦ જવાનોને પી.આર.સી., જૂથ-૩ માં નિયુક્ત કરવામાં આવેલ. ત્યાર બાદ ૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારત એક પ્રજાસત્તાક રાજય તરીકે જાહેર થતાં, પી.આર.સી. જૂથ-૩નું પુનઃ નામકરણ કરવામાં આવ્યું. ત્યાર બાદ સને ૧૯૫૧માં મુંબઇ રાજય અનામત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ તળે રાજય અનામત પોલીસ દળના વહીવટ, નિયંત્રણ, ક્ષેત્રીય ફરજો, વગેરે બાબતો નક્કી કરી, તે અંગેના જરૂરી નીતિનિયમો ઘડી, નવું વહીવટી માળખું તૈયાર કરવામાં આવેલ. ત્યારે તે લશ્કરી દળને રાજય અનામત પોલીસ દળ તરીકે આખરી નામાભિધાન આપી,પી.આર.સી. જૂથ-૩ ને રાજય અનામત પોલીસ દળ, જૂથ-૩ તરીકે ઓળખાવીને અર્ધલશ્કરી દળોમાં સમાવિષ્ટ કરવામાં આવેલું. ત્યારબાદ તા. ૦૧/૦૫/૧૯૬૦ના રોજ મુંબઇ રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્ર, એમ બે રાજ્યોમાં વિભાજન થતાં આ જૂથને રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-૧ તરીકેનું નામાભિધાન આપવામાં આવેલ, જે હાલમાં પણ અમલમાં છે.

|
હાલ રાજ્ય અનામત પોલીસ દળ ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ, રાજયના પોલીસ મહાનિદેશકશ્રીના વડપણ હેઠળ અને અધિક પોલીસ મહાનિદેશકશ્રી, હથિયારી એકમો, ગુજરાત રાજ્ય ગાંધીનગરની સીધી દેખરેખ અને તાબા હેઠળ કાર્યાન્વિત છે.
હથિયારી એકમો તળે હાલ ગુજરાત રાજ્યમાં કુલ ૧૮ જૂથો અસ્તિત્વ ધરાવે છે.
તે ઉપરાંત, દરિયાઇ કાંઠાની સુરક્ષા માટે મરીન કમાન્ડો ફોર્સ પણ મંજૂર કરવામાં આવેલ છે. રાજય અનામત પોલીસ દળના જવાનોની તાલીમ માટે એસ.આર.પી. તાલીમ કેન્દ્ર, ચોકી (સોરઠ), જૂનાગઢ ખાતે આવેલ છે. અધિક પોલીસ મહાનિદેશકશ્રી, હથિયારી એકમોને વહીવટી મદદ પૂરી પાડવા અને જૂથો ઉપર અસરકારક નિયંત્રણ રાખવા માટે રાજકોટ, વડોદરા અને ગાંધીનગર ખાતે એક-એક નાયબ પોલીસ મહાનિરીક્ષક, હથિયારી એકમોની નિયુકિત કરાયેલ છે, જયારે મરીન ટાસ્ક ફોર્સ કમાંડર તરીકે એક પોલીસ મહાનિરીક્ષકની નિમણૂક થયેલ છે.
નિયંત્રણ અને નિયમન : રાજ્ય અનામત પોલીસ દળનું નિયમન ગુજરાત રાજય અનામત પોલીસ દળ અધિનિયમ, ૧૯૫૧ અને ગુજરાત રાજય અનામત પોલીસ દળ નિયમો, ૧૯૫૯ થી થાય છે.
કાર્યક્ષેત્ર : ગુજરાત રાજ્ય પોલીસ અનામત દળના સભ્યો જયાં પણ ફરજ ઉપર હોય ત્યાં ત્યાં તેઓને ઉપરોકત કાયદો અને નિયમો લાગુ પડે છે.
મૂળભૂત ફરજો
(૧)શાંતિનો ભંગ અથવા જાન કે મિલકતનો ભય હોય તેવા ગુનાઓ અટકાવવાની અથવા તેમાં તપાસ કરવાની અને તેવા ગુનામાં સંડોવાયેલ વ્યકિતઓની શોધખોળ કરી પકડી પાડવાની ફરજ ;
(ર)નિયંત્રણ વિના સમાજ માટે જોખમી, મરણિયા કે ભયંકર વ્યકિતઓને શોધીને પકડવાની ફરજ ;
(૩) આગ, પૂર, ધરતીકંપ, દુશ્મન પ્રવૃત્તિ અથવા હુલ્લડો વખતે જાન-માલને નુકસાન થતું અટકાવવાની અને તેવા પ્રસંગોએ શાંતિ અને વ્યવસ્થાની જાળવણીની ફરજ ; અને
(૪) રાજ્ય સરકાર કે પોલીસ મહાનિદેશકશ્રી તરફથી સોંપાયેલ અન્ય ફરજો.
|